વિપક્ષી ગઠબંધનના વડા તરીકે રાહુલ ગાંધીનું સ્થાન જોખમમાં

વિપક્ષી ગઠબંધનના વડા તરીકે રાહુલ ગાંધીનું સ્થાન જોખમમાં

વિપક્ષી ગઠબંધનના વડા તરીકે રાહુલ ગાંધીનું સ્થાન જોખમમાં

Blog Article

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનું સુકાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જગ્યાએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને સોંપવાનો વિપક્ષી છાવણીમાં અવાજ વધુને વધુ બુલંદ બની રહ્યો છે. RJDના વડા લાલુ પ્રસાદ યાદવ અને જગન રેડ્ડીની પાર્ટીએ પણ હવે મમતા બેનર્જીના નેતૃત્વને ટેકો આપ્યો છે. આની સાથે કોંગ્રેસ વધુને વધુ એકલી પડી રહી છે.

લોકસભા સારા દેખાવ પછી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી વિપક્ષી ગઠબંધનમાં નેતૃત્વની ખેંચતાણ ચાલુ થઈ છે. મમતા બેનર્જીએ ગયા સપ્તાહે ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરવાનો રસ દર્શાવ્યો હતો. આ પછી મોટાભાગના બિન કોંગ્રેસી પક્ષો તેમને સમર્થન આપી રહ્યાં છે. અત્યાર સુધી સમાજવાદી પાર્ટી, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે), જગન મોહન રેડ્ડીની YSRCP સહિતના પક્ષો મમતા બેનર્જીને સમર્થન આપી ચુક્યા છે. આ પક્ષોમાં હવે બિહારની રાષ્ટ્રીય જનતા દળ પણ જોડાઈ છે. આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે અમે મમતા બેનર્જીને ટેકો આપીશું. તેમને ઇન્ડિયા બ્લોકના વડા બનવા દેવા જોઇએ.

મમતા બેનર્જીના નામ પર કોંગ્રેસના વાંધા અંગેના સવાલના જવાબમાં લાલુ યાદવે જણાવ્યું હતું કે કોંગ્રેસના વિરોધથી કોઈ ફરક પડશે નહીં. અગાઉ લાલુ યાદવના પુત્ર અને આરજેડીના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનર્જી કરે તે સામે તેમને કોઇ વાંધો નથી. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણય સર્વસંમતિથી લેવો જોઇએ.

રસપ્રદ બાબત એ છે કે જગન રેડ્ડીની YSRCPએ પણ મમતા બેનર્જીને ભારત બ્લોકનું નેતૃત્વ સોંપવાનું સમર્થન કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ સામે પરાજય થયો ત્યાં સુધી જગનની પાર્ટીને ભાજપની નજીક હોવાનું માનવામાં આવતું હતું.

YSRCP રાજ્યસભા સાંસદ વિજયસાઈ રેડ્ડીએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે મમતા બેનર્જી એક આદર્શ ઉમેદવાર છે, કારણ કે તેમની પાસે ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે જરૂરી રાજકીય અને ચૂંટણી સંબંધિત અનુભવ છે. દીદી 42 લોકસભા બેઠકોવાળા રાજ્યના મુખ્યમંત્રી પણ છે.

પ્રાદેશિક પક્ષોના વધતા જતાં સમર્થનથી ઉત્સાહિત થઈને TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે તેનો અહંકાર છોડીને મમતા બેનર્જીને ઇન્ડિયા બ્લોકના વડા બનાવવા જોઇએ. કોંગ્રેસે એ સમજવાની જરૂર છે કે તેના નેતૃત્વમાં ઇન્ડિયા બ્લોક નિષ્ફળ ગયું છે. ગઠબંધનને એક નેતાની જરૂર છે. મમતા બેનર્જી રાજકીય લડાઈ કેવી રીતે લડવી તે જાણે છે. કોંગ્રેસે પોતાનો અહંકાર બાજુ પર મુકવો જોઈએ. કોંગ્રેસે તેના અહંકારને કારણે જ મમતા બેનર્જીને પોતાના પાર્ટીમાં દૂર કર્યા હતાં.

Report this page